બકુતરાથી રણ રસ્તે આવી આડેસર તળાવની પાળે મહાત્મા મેકણ બપોરના સમયે આરામ કરી રહ્યા છે. ત્યારે તે ગામનાં ગાયોનાં ધણની સ્થિતિ તેમને સારી ન જણાંતા અને ગાયોના ગોવાળને નિર્દોષ ગાયોના ગોવાળને નિર્દોષ ગાયોને
મારકુટ કરતો જોઇ તેમજ ચરાવવામાં ખામી અને જોઇતી માવજત ન થતી જોતાં તેમનું હૃદય દ્રવી ઉઠયું. આ અંગે તળાવની પાળ પર બેઠેલા સતસંગી પુરૂષો પાસેથી પણ
જાણવા મળ્યું તેથી તેમણે મનોમન નકકી કર્યુ કે, આ ગામમાં કોઇ સારો ગાયો ચારનાર માણસ સમય મળ્યે મોકલીશ.
મહાત્મા મેકણે તળાવની પાળે જરા આરામ લીધો. પછી તેમની ભાવના કરી કંથકોટમાં થોડા દિવસ રહી ત્યાર પછી જંગી જવાની થતાં તેઓ આડેસરથી કંથકોટ જવા રવાના થયા. મહાન જોગી કંથળનાથ મહાત્મા મેકણના આગમનના ઉદેશે કંથકોટ નજીક સીમાડામાં સાંઢું ચરાવનાર રબારીનું રૂપ લઇ રસ્તામાં સાઢું ચરાવી રહ્યા છે ને વિચારી રહ્યા છે કે, મહાત્મા ઘણાં સ્થળોની યાત્રા કરી આવી રહ્યા છે. આ સમય દરમ્યાન તેમણે કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી તેની પરીક્ષા લઉ. આવો મનોમન નિર્ણય લીધો. રબારી રૂપે મહાત્મા મેકણ સમક્ષ ઉભા છે. મહાત્મા મેકણ આ પોશાકમાં ઉભેલા
જોગી કંથળનાથ પાસે ઉભા રહી જય જીનામ કહી પોતાની ઝોળીમાંથી નાનો કટોરો કાઢી તેમની સમક્ષ ધરી કહે છે કે, મને ભુખ લાગી છે. જેથી આ કટોરામાં સાંઢનું દૂધ
થોડું દોહી આપો. કંથળનાથ મહાત્મા મેકણને કહે છે કે, સાઢો અવિયાયેલ છે તેથી તેમાંથી દૂધ મળી શકે નહિ. ત્યારે મહાત્મા મેકણ મલકાઇને, જાણે જુનો ગાઢ સ્નેહ તાજો થતો હોય તેવા ઉદેશે જણાવે છે કે આપ અવિયાયેલ સાંઢોનું દૂધ મને પીવડાવશો તો જ હું આપને કંથળનાથ તરીકે જાણી શકીશ. કંથળનાથે એક સાંઢની પીઠ પર થાપ મારી મહાત્મા મેકણના કટોરામાં સાંઢનું દૂધ દોહવા માંડયું અને કહ્યું આ કટોરો તો નાનો છે. કોઇ મોટું વાસણ લાવો તો વધુ દૂધ દોહી આપું. પછી સાંઢનું દૂધ દોહી રહેલા કંથળનાથે મહાત્મા મેકણ સિદ્ધિવાન થયાનું જાણી લીધું કે, નાના પંદર-વીસ કટોરામાં સમાય તેટલું દૂધ આ એકજ કટોરામાં દોહવા છતાં કટોરો ભરાતો નથી. જેથી આ કાપડી સંત હવે યોગસિદ્ધિમાં આવી ગયો છે. તેથી કંથળનાથજી જોગીરૂપે પોતાનું રૂપ બદલી મહાત્મા મેકણને ભેટી પડે છે ને પ્રેમથી આવકારી કંથકોટમાં રહેવા વિનંતી કરે છે.
ત્યારે મહાત્મા મેકણ સાખી દ્વારા જણાવે છે.
“અસી આય સજા થયા, તડે આયસ અસાંજો થયો.
નેચે પચ્ચે નાથજીજો, પિયાલો પિયો.
મરણ ટરેયો મેકણયે, હાણે જુગ જુગ જી
કંથડ કંથડ કરે હલૈયા, સામી સાથ કરે.
માય મોતા મેકણયે, મૈયા માલ ભરે
કંથડ કુડે જો નથી એ સમૈં જો અય સ્વામી
મું ડિકો મેકણ ચે જોગી અય અંતર જામી
થળ હથ કબાન અસરેં કે ઉથાપીધી
બાવો હણીધો બાકી મારી ધો મેકણચે.
ઉપરોકત સાખી સંત મેકણે પ્રેમભાવથી રચી શ્રી કંથળનાથજીને સંભળાવી. કંથળનાથજીએ મહાત્મા મેકણની કુશળતા પુછી થોડો સમય બાદ મહા યોગી કંથળનાથ અંતરધ્યાન થયા. ત્યાંથી ચાલીને મહાત્મા મેકણ કંથળનાથને મંદિરે આવી આસન જમાવે છે. મંદિરનો પુજારી સંત મેકણને ઓળખી જીનામ પ્રણામ કરે છે. સાથે કંથકોટના ઠાકોર જામને મહાત્મા મેકણ આવ્યાના સમાચાર આપે છે. જામ ઠાકોર તેમને મળવા આવે છે. બીજે દિવસે સવારે શ્રી નાથજીની પ્રતિમાની પુજાવિધિ થઇ રહ્યાબાદ મહાત્મા
મેકણ પોતાની પાસેની ઝોળીમાંથી હિંગળાજના ચંદ્રકોપનો ઢોસો મૂર્તિને ભોગ રૂપે ધરાવી દરેકને પ્રસાદરૂપે આપે છે.
જામ ઠાકોર સંત મેકણ મહાત્માના મહાન સદ્ગુણો જોઇ તેમને કંથકોટના વિસ્તારમાં આવેલી માંગુધાર પર ગુફામાં રહી તપસ્યા કરવા ભાવભીનો આગ્રહ કરે છે. પરંતુ મહાત્મા મેકણ તેનો સ્વીકાર કરી શકતા નથી અને કહે છે. ‘એક મ્યાનમાં બે તલાવર ન રહે’ આ ભૂમિમાં બે સંત ન રહે. આ ભૂમિ મારા વડીલ શ્રી નાથજીની છે. હું અહીંથી દૂર જંગી ગામે બેસી તપસ્યા કરીશ. દિવસના ભાગમાં જામ દેદાના દાયરા સાથે પોતાના આસના પર મહાત્મા સત્સંગ કરતા અને રાત્રે ભજન મંડળી સાથે ભજનભાવ. ‘ચોથે પહોરે જોગી’ રૂપે
મહાયોગી કંથડનાથ સાથે ભકિતભાવમાં પસાર કરતા. આમ અઠવાડિયું થતાં તેઓ જંગી જવા તૈયાર થયા. સેંકડો માણસો આ મહાત્માને વળાવવા જઇ જીનામ પ્રણામ કરી છુટા પડયા. મહાત્મા મેકણ જંગી તરફ રવાના થયા.